સવાર અને અખબાર
આંગણામાં ઈચ્છા વગરનું મોર્નિંગ વોક થઇ રહ્યું હોય, ઇંડિયા પાકિસ્તાનની બોર્ડર પરનાં જવાનને શરમાવે તેવી દરવાજા પર ચોકી થઇ રહી હોય. આંખો ચકળ-વકળ ફરતી હોય અને ભૂલથીએ કોઈ બોલાવે તો જાણે સાતે વાદળ તૂટી પડશે એવી ગર્જના થાય. આવી પરિસ્થિતિ બસ એક જ સ્થિતિમાં હોય - જો સવારે અખબાર ન આવ્યું હોય. સવાર અને અખબાર વચ્ચે એવો અતુટ સંબંધ છે કે રોમિયો જુલિએટ જેવી અમર જોડીઓ ને પણ ભુલાવે. સવાર પડે એટલે અખબાર જોઈએ જ. પાંચ મિનીટ છાપું મોડું આવ્યું હોય તો દિવસની શરૂઆત જ ખરાબ થાય. એ પાંચ મિનીટની પીડા, વિરહની વેદનામાં ડૂબેલા દેવદાસની દશા કરતાંય વિકટ બની જાય. અને એમાંયે પાડોશીનાં ઘરે આવી ગયું હોય તો તો જાણે એને એક કરોડ રૂપિયાની લોટરી લાગી હોય એમ આપણી નજર સતત ત્યાંજ ચીપકેલી રહે, બે -ત્રણવાર તો એના ઘરેથી ચુપકેથી છાપું લઇ આવવાનો વિચાર પણ થઇ આવે, પણ ક્યાંક બીજે દિવસે એ જ અખબારમાં આપણાં જ ન્યુઝ 'બે પાડોશી વચ્ચે ઝઘડો- મારામારી' ના શીર્ષક નીચે આવી જવાની બીકે એ વિચારને તિલાંજલી અપાવી પડે.
સવારના છાપાં વગર જાણે દિવસ આગળ વધશે જ નહિ. અમુક લોકોની તો છાપું વાંચ્યા વગર દિનચર્યા જ અટકી પડે. શરીરનું રુધિરાભિસરણતંત્ર અટકી ગયું હોય અને સવારની સ્ફૂર્તિ અને તાજગી હણાય ગઈ હોય તેમ આખો દિવસ, ખાનગી સંસ્થામાં કામ કરતા કારકુનનાં થાકેલા, બેહાલ શરીર જેવું મોઢું લઈને છાપાં રસિયાઓ ફરતા હોય.
અમુક સ્માર્ટ લોકો તો છાપું વાંચવાની સાથે બીજા કામ પણ કરે. કોઈ મોઢામાં બ્રશ નાખીને છાપું વાંચે. તો કોઈને બાથરૂમમાં છાપું સાથે લઇ જવાની આદત હોય. ને કોઈ વળી ચા પીતાં પીતાં છાપું વાંચતું હોય. એવું સમય બચાવવા કરતા હોય તેવું લાગે પણ ખરેખર તો છાપું તેમની બીજી ક્રિયાઓ ને સરળ બનાવી દેતું હોય છે અને એ અન્ય ક્રિયા કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે. એટલે જ જ્યારે હાથમાં છાપું આવે ત્યારે જ ચા નો કપ હાથમાં લેવાનો, ત્યાં સુધી રાહ જોવાની...
અખબાર પછી રેડિયો ને ટીવી જેવા સાધનો આવ્યા પણ અખબાર પ્રેમીઓનો પ્રેમ જરાય ઓછો થયો નથી. અમુક લોકોને તો સવાર જ છાપું આવે ત્યારે પડે. પથારીમાંથી બંધ આંખો ખોલવાના ચાલુ પ્રયત્ને એ છાપાં સુધી આંખો ચોળતા ચોળતા રસ્તાની પાંચ-છ વસ્તુઓ ને ઠેબે લે, પણ છાપું હાથમાં આવતાની સાથે આંખો ફટાકથી પહોળી થઇ જાય ને જ્યાં સુધી પેલ્લે થી છેલ્લે સુધી, મુખ્ય સમાચારથી જાહેરાત સુધી, જીણામાં જીણી ખબર વાંચી ન લે ત્યાં સુધી એની સવાર પડે જ નહિ.
વળી રજાના દિવસે તો કઠણાઈ, જાણે સવાર જ દિવસમાંથી કપાઈ ગઈ હોય. મન મનાવવા કોઈ વાસી છાપું જુએ, ને બે મિનીટ પછી ફેંકી દે, આ પ્રક્રિયા અડધો કલાક ચાલે ને જેમ તેમ સવાર નીકળી જાય (પણ તેની અસર વાતાવરણમાં આખો દિવસ વરતાય.)
એક દિવસ છાપું ન વાંચવાથી જાણે આપણે દુનિયાની તમામ ખબરોથી વંચિત રહી ગયા હોઈએ એવું લાગે. ગઈ કાલના એક દિવસમાં, પાડોશીનાં ઘરમાં આતંકવાદી આવી ગયા હશે! કોઈ મીનીસ્ટરનું નવું કોભાંડ બહાર આવ્યું હશે? કોઈ નેતા એ પ્રમાણિકતાના શપથ લીધા હશે કે પછી આપણી સોસાયટીમાં ગઈકાલે અમિતાભ બચ્ચન આવ્યો હશે?!!! પાકિસ્તાને ભારત સાથે શાંતિવાર્તા કરી હશે! જાણે કોઈએ નિર્જન ટાપુ પર એકલા મોકલી દીધા હોય એવી લાગણી થઇ આવે. બીજા દિવસે સવારે છાપાંનાં દર્શન ન થવાથી તહેવારોની મજા જ ઉતારી જાય.
શાળામાં આપણે 'શિયાળાની સવાર' નિબંધ લખેલો. પણ એની કરતા 'સવાર વિથ અખબાર' એવો નિબંધ લખવા આપ્યો હોત તો એ વધારે રોમાંચક અને રસપ્રદ બન્યો હોત. કોલેજમાં કરુણરસ સમજાવવા 'અભિજ્ઞાન શાકુંતલ' નાં રોતાં ઝાડ-પાન, ફૂલનાં વર્ણનો કલાકો સુધી ભણાવતા, પણ એના બદલે, 'સવાર- વિના અખબાર'ની કલ્પના કરવાનું કહ્યું હોત તો બિચારા છાપાં રસિયાઓ ત્યાં જ રડી પડત!
ઘણીવાર એવો વિચાર પણ આવે કે પોલીસવાળાની જેમ અખબારવાળાઓને પણ ૨૪ કલાકની, એકે રજા વગરની ફરજીયાત નોકરી હોવી જોઈએ! અને છાપાંપ્રેમીઓએ હંમેશા એવી પ્રાર્થના કરવી જોઈએ કે, છાપાંનાં તંત્રીઓ અને એની સાથે જોડાયેલા કર્મચારીઓની ક્યારેય હડતાલ ન પડે!