કંઈક આપીને કંઈક
મેળવવાની આશા રાખવી એ માનવ સ્વભાવ છે. (આપણે તો દાનનાં બદલામાં પણ પુણ્ય જોઈએ છે.) આપણે કોઈ પણ
વસ્તુ 'એમ ને એમ'
ગુમાવતા નથી, જ્યાં સુધી એના બદલામાં કંઈ પાછું ન મળે. (એટલે
જ તો ભંગારનો ધંધો પણ આટલો વિકસેલો છે.) પરંતુ, કંઈ પણ મેળવ્યા વગર ફક્ત ગુમાવવું, 'એમ ને એમ' આપી દેવું એટલે 'ઉધાર' આપવું.
આપણે હંમેશા
ઉધારીનાં દેણામાં ફસાયેલા ગરીબડા માણસ પ્રત્યે દયા રાખવાનો રીવાજ પાળીએ છીએ. 'લેણદાર' નો ઉલ્લેખ કરતા, એક મહાકાય
શરીરધારી, નખશિખ શ્રીમંતાઈ છલકાવતા, અહંકાર અને ઘમંડથી ફૂલાયેલા,
કોઈ શણગારેલા નાળીયેર જેવા
માણસનું દ્રશ્ય આપણી આંખ સામે તરવરી ઉઠે છે. જેની તરફ હંમેશા ક્રોધ અને ધ્રુણાના
ભાવો જાગી ઉઠે છે.
પણ જ્યારે
સામાન્ય માણસ લેણદાર બને ત્યારે તેની સ્થિતિ દેવામાં ડૂબેલા 'બિચારા' દયામણા માણસ કરતાય કફોડી હોય છે. સંબંધીઓ, પડોશીઓ, મિત્રો સાથે લેણ-દેણનાં સંબંધોમાં લાગણીઓ અટવાય
જાય છે. અને એ ઉધારી અઘરી પડે છે. પછી બધા સગાઓ તો રહે છે પણ વ્હાલાઓ રહેતા નથી.
પાડોશીઓ સાથે
વાટકી વહેવાર કરતા કરતા ક્યારેક ઉધારમાં વાટકી પણ ગુમાવવી પડે છે. ઉધારની આ
સ્થિતિઓ અત્યંત અસમંજસયુક્ત હોય છે. મિત્રો
સામે પોતાને દરિયાદિલ દેખાડવાની હોંશમાં આપેલા ઉધારમાં પછી વર્ષો સુધી હોશ ઉડેલા રહે
છે. સંબંધીઓ વચ્ચે મારેલી ડંફાસ ફાંસ બનીને ખૂંચ્યા કરે છે.
કોઈ વસ્તુ કે રકમ ઉધાર આપ્યા પછી એ ચિંતા સતત રહે છે કે વસ્તુ પાછી આવશે કે કેમ? અને આવશે તો એના રૂપ-રંગ સલામત હશે કે પરિવર્તન નો નિયમ એણે પણ અપનાવ્યો હશે? પાછી મળશે તો ક્યારે અને કેવી રીતે? આપણી જ આપેલી વસ્તુ પરત લાવવા કેટ-કેટલી યોજનાઓ, બહાનાઓ અને દેખાવો ઘડવામાં મન પરોવાયેલું રહે છે. આટલું ગહન ચિંતન જો અદ્યાત્મમાં કર્યું હોય તો મોક્ષના એકાદ-બે માર્ગ જડી જાય!!
વસ્તુ ઉધાર આપ્યા પછી આ કળયુગના કર્ણોનો જીવ એમાંજ અટવાયેલો રહે છે. જેમ મદિરા પાન પછી મન વાળ્યું વળતું નથી તેમ રહી રહી ને મન એ વસ્તુને પાછી મેળવવા ઝંખતું રહે છે. પત્ની પિયર ચાલી ગયા પછી પાછું આવવાનું નામ ન લે અને પિયરમાં માન-પાન માણે તેમ એ ઉધારી ની વસ્તુ પણ નવા માલિકોની મેહમાનગતિ માણવામાં યજમાનને જ હડધૂત કરે.
અમુક વાર તો આપવાની ચેષ્ટાની પણ જરૂર હોતી નથી. (સારું ને, આપતી વખતે મનમાં થતો કચવાટ તો ન અનુભવવો પડે!) અમુક લોકો એટલા એડવાન્સ હોય છે કે જાતે જ વસ્તુ લઇ લે. એમને મન પોતાનું પારકું બધું એક જ. એમને વસ્તુ માંગીને માલિકની રજા ની જરૂર જ હોતી નથી. એટલે જ ઓફિસનાં પેન- સ્ટેન્ડની પેનો, આંગણામાં કપડાં સૂકવવાની દોરી એ લટકતી ચીપટીઓ કે ચોકડીમાં વાસણની ખાટલીમાં પડેલી ચમચીઓ, હંમેશા ખૂટતી જ હોય છે!!! સાર્વજનિકતાને લીધે એની આવન- જાવન ચાલુ રહે છે.
સંતોનાં સુફિયાણાં પ્રવચનોમાં, કથાઓમાં ઉધાર લેવાથી આવતી મુસીબતોનું રસ પાન કર્યું હશે. પણ ઉધાર દેવાથી મનની શાંતિ હણાય જાય છે, સુખ ચેન ચાલ્યા જાય છે. એવી સો ટકા સત્ય હકીકત નહિ સાંભળી હોય. ધ્યાન, એકાગ્રતા કે મનને સ્થિર રાખવાના વર્ગોની સાથે સાથે આપેલી વસ્તુ ભૂલી જવાના, માગનાર પ્રત્યે વેરભાવ નહિ રાખવાના વર્ગો પણ શરુ થાય તો મન ને શાંતિ મળે. 'ઉધાર લેવું મોજમાં રે'વું' ની નીતિ અપનાવવાની સાથે બીજી એક 'ઉધાર દેવું પછી પછતાવું' શિખામણ પણ અપનાવવી.
સામાન્ય માણસ માટે ઉધાર લેવા કરતા ઉધાર દેવાનું દુઃખ વધારે હોય છે. કેમકે એની પાસે શ્રીમંત લેણદારોની જેમ ફિલ્મી વિલનો જેવા વસૂલી માટે રાખેલા માતેલા સાંઢ જેવા માણસો હોતા નથી. જેની બીક બતાવી ઉધાર પાછું લઇ શકાય, એના બદલે કંજૂસ જીવનાં સાબિત થવાનો અને માગવાની શરમ વધારે હોય છે. આવી નબળાઈઓ ને લીધે બિચારો ઉધારીમાં અટવાયેલો જીવ મરણ પથારીએ પણ છૂટતો નથી અને આપેલી વસ્તુમાં અટવાયેલો રહે છે. આને તમે લોભ કહો કંજુસાઈ કહો, અસંતોષ કહો કે વસ્તુ પ્રેમ પણ ઉધાર આપેલી વસ્તુ ની આપણે હંમેશા રાહ જોતા હોઈએ છીએ, વિશ્વાસ હોવા છતાં કે, એ પાછી નહીં જ આવે!!