માળો,
એટલે કે આજનાં ફ્લેટ્સ
કે એપાર્ટમેન્ટ્સ,એનું મફતનું મનોરંજન
એટલે 'ઝઘડો'. ટીવી પર
રેકોર્ડેડ કાર્યક્રમો જોઈ જોઈને કંટાળો
લેવા કરતા ઝઘડાનું 'લાઈવ
પરફોર્મન્સ' જોવામાં વધારે મનોરંજન મળે
છે. જ્યાં ખડકીએ ખડકીએ
આટલા બધા માણસો ખડકાયેલા
હોય એવા ફ્લેટ્સમાં બે
વાસણ ખખડે ખરાં! આવા
મનોરંજન માટે વધારે રાહ
જોવી પડતી નથી. એ
વારે તહેવારે મળી જ રહે
છે.
આમ તો આવા મનોરંજનીયાં
ઝઘડા બે જાતનાં હોય
છે. એક તો, એક
જ ઘરનાં સભ્યો બંધ
બારણે અંદરો અંદર ઝઘડે
તે. અને
બીજો, જુદા જુદા બે
ઘરનાં વ્યક્તિઓ જાહેરમાં ઝઘડે.
આસપાસથી
જેવા ચિત્ર વિચિત્ર, ન
સમજાય તેવા અવાજો સંભળાવાનું
શરુ થાય એટલે આજુ-બાજુનાં ઘરોનાં બારણાઓ ને
બારીઓ ખુલ બંધ થયા
કરે. ને જેમ ઉંદરને
જોઈ બિલાડીનાં કાન ચમકે તેમ
અવાજો સાંભળવા પાડોશીઓનાં કાન સરવા થઇ
જાય. રહસ્યનું વાતાવરણ સર્જાય. આતંકવાદીઓ બંધ બારણે બૉમ્બ વિસ્ફોટની યોજના
ઘડતા હોય અને જાસુસો
બહાર બંધુક તાકી એમની
વાતો સાંભળવા પ્રયત્ન કરે એનાથી પણ
વધારે મેહનત આ મનોરંજન
મેળવનારા કરતા હોય છે. આવા
ઝઘડામાં ખુલ્લીને ભાગ લેવાનું સાહસ
કરીએ તો આપણે પણ
હડફેટે આવી જઈએ ને
એ બીજા પ્રકારનાં ઝઘડામાં
પરિણમે.
સૌથી વધારે આનંદ તો
ઝઘડો જ્યારે બે ઘર
કે બે વ્યક્તિઓ વચ્ચે
થાય ત્યારે આવે છે.
એમનો સાથ દેવા કોંગ્રેસ
ભાજપ ની જેમ બે
પાર્ટીઓ રચાય જાય ને
એનો 'મહાએપિસોડ' ટેલિકાસ્ટ થાય. થોડી વારમાં
તો કીડીયારાની જેમ ખૂણે ખાંચરેથી
મેદાનમાં (એટલેકે પાર્કિંગમાં, માળામાં
મેદાનતો ક્યાં રહ્યા છે
હવે?) માનવ મહેરામણ ઉમટી
પડે. ઝઘડાના સેન્ટર ફરતું
કુંડાળું ને આજુ બાજુ
કૂદી કૂદી ને ડોકયા
કરતાં ઉત્સુકો ઝઘડાને 'પબ્લિસિટી' અપાવતા હોય. 'શું
થયું?! શું થયું?! ના
નારામાં પ્રશ્નાર્થ અને ચિંતા કરતાં
'હવે શું થશે!' વાળું
આશ્ચ્રર્ય અને આનંદ વધારે
હોય. ઝઘડો કરનાર માટે
કારણ તો ક્યારનુંએ કોરાણે
મુકાય ગયું હોય પણ
ન્યૂઝ ચેનલમાં ચાલતી ડિબેટ ની
જેમ હોય 'પબ્લિક'
માં સૌ
પોતપોતાનો પક્ષ મૂકીને ઝઘડાનું
કારણ બનાવતા હોય.
અમુક માણસો આવા ઝઘડાંને
પોરસ ચડાવવામાં પાવરધા હોય છે.
કોઈ નો પણ ઝઘડો
ચાલતો હોય, લાગતું વળગતું
ન હોવા છતાં એમાં
કૂદી પડે અને છ
મહિના જૂની વાતો ઉખેડી
એ વિષય પાર ફરી
ઝઘડા ચાલુ કરાવે. વળી
ઝઘડામાં સ્ત્રીઓનું ભાગ લેવું ફરજીયાત
છે. એનાથી ઝઘડો રસપ્રદ
બને છે, અને લાંબો
ચાલે છે. નહીંતર પુરુષો
ધોલ-ધપાટ પર આવી
જાય તો ઝઘડો ઘડીકમાં
સમેટાય જાય અને બધી
જનતા દવાખાના ની લાઈનમાં લાગેલી
મળે.
આવા મનોરંજનને માણતાં પ્રેક્ષકો
પણ મનોરંજન આપે છે. કોઈ
કોઈ હિંમતવાનો ખુલ્લે આમ ઝઘડામાં
ભાગ લેવા કૂદી પડે,
ને અમુક જર્નાલિસ્ટોની જેમ
'લાઈવ રોકોર્ડિંગ કરવા તરત ઘટના
સ્થળે પહોંચી આખી ઘટનાના
મૂક સાક્ષી બને. ફ્લેટની
કે માળાની બહુ માળી
ઇમારત પર નજર કરીએ
તો માળે માળે માણસો
બાળકનીમાં ટિંગાણા હોય! એ અંદર-બહાર ડોક ઝુલાવતાં
ઝઘડાનું વિહંગાવલોકન કરતાં નજરે પડે.
વળી અમુક સંસ્કારી જીવો
બારીનાં પડદા પાછળથી ડોકાઈ
ડોકાઈ ને થોડુંઘણું જોઈ
લેવા સંતાકૂકડી રમતા હોય. એ
ક્યાં છુપાઈ ને ઝઘડાને
માણી રહ્યા છે એ
બધાને ખબર હોય છતાં
પોતાને તો પારકી પંચાતમાં
રસ જ નથી એવું
દેખાડવા મથે.
બીજે દિવસે બાકાત રહી
ગયેલા અભાગિયાઓ ને આવા પ્રેક્ષકો
બાતમી આપે છે. અને
પેલા અભાગિયા જીવ બાળતા બાળતા
પોતે જાણે મોદી સાથેની
'સેલ્ફી' મિસ કરી હોય
એવા નિસાસા નાખે. આખા
માળામાં એ ઝઘડાની વાતો
અઠવાડિયા સુધી ફિલ્મી ગીતોની
જેમ ફર્યા કરે.ને
ફ્લેટની લિફ્ટમાં માળે માળે માણસો
બદલાઈ તેમ વાતો પણ
ઉપર નીચે થયા કરે.
બાકી ઝઘડો હોય કે
એને જોનારાં હોય, બંને પૂરતું
મનોરંજન આપે છે. શેરીમાં
એકબીજા સામે ભસતાં કુતરાઓ
આપણા માટે ત્રાસદાયક બની
રહે છે, પણ માણસોનો
ઝઘડો મનોરંજક!! પણ આવું મનોરંજન
ફક્ત મેળવવામાં સારું, ભૂલેચુકેય કરાવવું
નહિ, એમાં જરાયે ન
સંડોવામાં જ ડહાપણ છે.