નીચે આરસની અરીસા જેવી
લાદી ને ઉપર સુંદર,
વિશાળ ઇમારત. એ સાફ,
ચમકતી લાદી પર પગ
મુકતા કાનજીનું મન કકળ્યું. આંખો
બંધ થઇ ગઈ ને
નરમ નરમ માટી ના
સ્પર્શને તે અનુભવતો
રહ્યો. "બાપુ, હાલો..."
હાથ પકડીને અધીરાઈથી ચાલતા
દીકરાના અવાજથી આરસની સખ્તાઈ
ફરી આવી ગઈ. વિચલિત
મને એ આગળ વધ્યો.
'મારો રાજુ આ નીસાળમાં
ભણસે...' વિચાર આવતા જ
મન માની ગયું ને
કપાળની કરચલીઓ ખસી ગઈ.
સાંકડી લોબી, બુલેટિન બોર્ડ,
નાના-મોટા ક્લાસ રૂમ્સ,
એનું સરસ મજાનું ફર્નિચર
ને આસ-પાસ આંટા
મારતા, જોઈ ને જ
ગમી જાય તેવા માણસો...
આ બધું વટાવી ને
કાનજીની ચકળ વકળ ફરતી
આંખો સામેની ઓફિસ ઉપર
મંડાઈ.
"રાજુ, આ જ હસે
ને!?! પેલા મોટા સાયબનો
ઓરડો?"
"હા બાપુ, આ
જ લાગે સે." રાજુ
નો આનંદ એના અવાજમાં
ઝળક્યો. મનના બધા વિચારો,
ને કાચના દરવાજો, હડસેલીને
બંને અંદર પ્રવેશ્યા. અવાજથી
'રિવોલવિંગ ચેર' પર બેઠેલા
'સૂટેડ- બૂટેડ' સાહેબની નજર
આગંતુકો પર પડી.
"યસ?"
પણ સામે બાપ દીકરો
અંદરનું એશ્વર્ય માણવામાં જવાબ કેવી રીતે
આપી શકે? સાહેબ આ
વિચિત્ર આગંતુકો ને જોઈ રહ્યા.
વિખરાયેલા વાળ, સાવ સાદો
પોશાક, પગમાં ચપ્પલ ને
હાથમાં કપડાંની થેલી, ને ઇન્શર્ટ
કરેલા ટી-શર્ટ, પેન્ટ
પહેરેલો આઠ-નવ વરસનો
છોકરો. સાહેબને નિરીક્ષણ પરથી કંઈક વાર્તાયું
હશે એટલે એણે નાકનું
ટેરવું ચડાવી અણગમા સાથે
ગુજરાતીમાં જ શરુ કર્યું.
"બોલો?"... ને કાનજીનું ધાન
ભંગ થયું. હાથ જોડી
બોલ્યો, "રામ રામ સાયબ."
"હા, શું કામ પડ્યું?"
"સાયબ, આ મારો છોકરો...રાજુ, લે પગે
લાગ, આ... આને આંયાં
ભણવા બેહાડવો સે..."
"હેં??!!
શું? તમને કોણે કીધું
કે, તમારા છોકરાને અહીંયા
એડમિશન મળશે? જુવો ભાઈ,
ખોટી આશા ન રાખો,
આ તો બહુ મોંઘી,
ઇંગલિશ સ્કૂલ છે. તમને
ખબર છે, ફી કેટલી
છે? કેવી વાત કરો
છો!"
કાનજી
અને રાજુના હસતા મોઢા
વિલાયા પણ કાનજી એ
સ્વસ્થતા જાળવી ને આગળ
ચલાવ્યું, "સાયબ, બધી ખબર
છે, કેટલાય રૂપિયા જોવે
આંયાં ભણાવવા હાટુ!! પણ
મારે ક્યાં પૈસા દેવાના
સે! મારા છોકરા હાટુ
તો મફત છે ને?!"
"શું? એવું કોણે
કીધું?" ફાટી આંખે સાહેબ
કાનજીના 'કોન્ફિડન્સ' ને
જોઈ રહ્યા.
"ભૂલી ગયા
સાયબ, હું કાનજી, આ
નીસાળ જેણે બનાયવી એ
મારા ગામડે આયા'તા.
ઘરે હોતેન ઘણી વાર
આયા'તા સુ નામ
ઈનું?! હા, વીરદયા સાયબ."
"વીરડયા"
સાહેબે ખોટું ઉચ્ચારણ સુધાર્યું,
"એને કેવી રીતે ઓળખો...
ને ક્યાંથી આવો છો? સાહેબ
તમારા ઘરે આવ્યા'તા
એટલે? અહીં ખુરશી પાર
બેસો. આવો."
કાનજી ને રાજુના
મોઢા ફરી ખીલી
ઉઠ્યા. આગળ જઈ બંને
મુલાયમ ખુરશી પર, બરાબર
સાહેબની સામે બેઠાં.
સાહેબ
એકીટશે જોઈ રહ્યા. "તો કાનજીભાઈ તમે...બાજુના ગામના
છો ને? હા યાદ
આવ્યું." થોડા અસ્વસ્થ અવાજમાં
સાહેબ કાનજી ને કહી
રહ્યા..."હજી થોડા દિવસ
પહેલા જ વિરડીયા સાહેબ
મિટિંગમાં કહેતા હતા. હવે
યાદ આવ્યું, બરાબર, લો પાણી
પીવો."
સાહેબે
આંખો જીણી કરી ને
કાનજીએ પાણી પીધું એટલે
થોડા નરમ અવાજે સાહેબે
ચલાવ્યું, "મને ખબર છે
કે તમારે માટે એડમિશન
ફ્રી છે પણ તમારા
સારા માટે એક સલાહ
આપું છું. તમારા છોકરાને
ને અહીં બેસાડવા જેવો
નથી. અહીં તો બધા
અમીરોના છોકરા ભણવા આવે
છે. એની સાથે તમારો,
શું નામ છે? રાજુ,
હા, એને કેવી રીતે
ફાવશે? સાચી વાત ને?" નીચા
મોઢે સાંભળી રહેલા કાનજીના
ભાવો સાહેબને ન કળાયા, એટલે
એણે ફરી ચલાવ્યું, "મને
એડમિશન આપવામાં કઈ વાંધો નથી,
પણ હું તો છોકરા
માટે કહું છું એને
અંગ્રેજીમાં ભણવાનું ફાવશે! મને ખબર
છે તમારે ફી ના
પૈસા દેવાના નથી પણ
બીજા ખર્ચાનું શું? યુનિફોર્મ, મોંઘા
પુસ્તકોને પછી ક્લચ... એટલે
સાંસ્કૃતિક કાર્યક્રમો એ બધા માટે
તો પૈસા ભરવા પડશે
ને? એ બધા થઇ
લગભગ..."
આગળના
શબ્દો કાનજીના કાને ન પડ્યા.
એનું મન બે વરસ
પાછળ પહોચી ગયું. આવી
જ સ્થિતિ, એવો જ ફોસલાવવાનો
નરમ અવાજ, લલચાવનારી વાતો.
બસ એરકંડીશનર ને નરમ ખુરશી
ને બદલે ઝાડનો છાંયો,
ઠંડો વાયરો અને ખાટલો.
સામેના ખાટલે બેઠેલા મહાકાય
વિરડીયા સાહેબ બોલી રહ્યા
હતા ને પોતે નીચા
મોઢે સાંભળી રહ્યો હતો,
ને ફરતે ગામના લોકો
નો ઘેરાવ. "તમારા બધા માટે
તો આ બહુ સારી
વાત કહેવાય, કે તમારા ગામની
નજીક સ્કૂલ બનશે. ને
ગામના બધાય છોકરાઓ ભણશે."
"પણ
આ સેરમાં આટ આટલી
નિશાળો તો છે, પછી
તમારે આયા હુ કામ
બનાવવી છે?" કોઈ વળી તર્ક
કર્યો.
"શહેરમાં
તો ઘોંઘાટ કેટલો ને
જગ્યા! છોકરાઓ ને રમવા
પ્લેગ્રાઉન્ડ, શું કેવાય, મેદાન
પણ નહિ, એના કરતા
અહીં મોકળાશ કેટલી! ને
આ કઈ જેવી તેવી
નહિ, સારામા સારી સ્કૂલ
બનશે. તમારે તો નજીકેય...બોલો સરપંચ શું
કહો છો?"
"વાત
તો સાચી, સ્કૂલ બનશે
તો ગામના છોકરા ભણશે...ને કાનજી તને
તો વિદ્યાદાનનું પુણ્ય પણ મળશે."
સરપંચે કાનજી તરફ ફરી
ને કહ્યું.
"હા,
હા, કાનજી મારી દે
અંગુઠો.." બીજા એ સુર
પુરાવ્યો.
"ને
કાનજીભાઈ તમારા છોકરાનું એડમિશન
ને એડયુકેશન મફત બસ." વિરડીયા
સાહેબે વળી શાંત કાનજી
સામે જોઈ જુસ્સો વધાર્યો.
"હા
કાનજી મારી દે અંગુઠો,
તારી જમીન પર નીસાળ
બનસે ને તારો રાજુય
ભણી ગણી ને સાયબ
બનસે. મારી દે અંગુઠો..."
"હા
મારી દે...અંગુઠો..." અવાજના
પડઘા કાનજીના કાનમાં ક્યાંય સુધી
અથડાતા રહ્યા...
"કાનજીભાઈ,
સાંભળો છો ને?!?" ટેબલના
છેડેથી સાહેબે પૂછ્યું? જવાબ
આપવાને બદલે કાનજી રાજુનો
હાથ પકડી ઉભો થઇ
ચાલવા લાગ્યો. સાહેબ અસમંજસથી ઘડીક
જોઈ રહ્યા ને પછી
ટટ્ટાર થઈ વિજેતાની અદાથી
સ્વગત બોલ્યા, 'વીરડયાસાહેબ ખુશ થઇ જશે...
કેહતા'તા ને કે
કાનજી આવે તો સ્કૂલની
રેપ્યુટેશન માટે એના છોકરાને
એડમિશન નઈ આપતા... થઇ
ગયું કામ.'
પાછા વળતા, આરસની લાદી
કાનજીને થોરડીની જેમ ખૂંચી. "બાપુ,
તમે તો કેતા'તા
ને કે હું આંયાં
ભણીસ! આપણી જ નીસાળ
કેવાય." નિશાળનું પરસાળ કે રાજુના
સવાલો, કાનજીને વધારે શું ચૂભતું
હતું
એ ખબર ન પડી.
"બાપુ
આંયાં આપણું ખેતર હતું
ને?! તમે કેતા'તા
ને!..." પણ કાનજીના કાન
સુન્ન થઇ ગયા. સ્કૂલ
નો મોટો દરવાજો વટાવતા
તો કાનજીની આંખો આખી
ઇમારત ફરતે ફરી વળી,
પેલો વડલો, સામેની માલ
ભરવાની ઓરડી ને લહેરાતો
પાક બધું એ આંખ
સામે ફરી વળ્યું,
"બાપુ,
મારું એડમિશન કેમ નો
થ્યું?! તમે તો કેતા'તા..." ચાલતા ચાલતા, અકથિત
ભાવો સાથે કાનજીના મોઢેથી
શબ્દો સરી પડ્યા, " હા
દીકરા, મને હતું, જમીનના
પરતાપે ઉપજેય સારી હસે,
મને સું ખબર કે,
ઉપજાવ જમીન ઉપરની નીસાળ
ખરાબો નીકળસે?!?!" ને બાપ દીકરાની
વિદાય પાછળ ધૂળ ઉડી
રહી, માટી ને બદલે
ધૂળ...!