Monday, 8 May 2017

માળાનું મફતનું મનોરંજન!

માળો, એટલે કે આજનાં ફ્લેટ્સ કે એપાર્ટમેન્ટ્સ,એનું મફતનું મનોરંજન એટલે 'ઝઘડો'. ટીવી પર રેકોર્ડેડ કાર્યક્રમો જોઈ જોઈને કંટાળો લેવા કરતા ઝઘડાનું 'લાઈવ પરફોર્મન્સ' જોવામાં વધારે મનોરંજન મળે છે. જ્યાં ખડકીએ ખડકીએ આટલા બધા માણસો ખડકાયેલા હોય એવા ફ્લેટ્સમાં બે વાસણ ખખડે ખરાં! આવા મનોરંજન માટે વધારે રાહ જોવી પડતી નથી. વારે તહેવારે મળી રહે છે.


આમ તો આવા મનોરંજનીયાં ઝઘડા બે જાતનાં હોય છે. એક તો, એક ઘરનાં સભ્યો બંધ બારણે અંદરો અંદર ઝઘડે તેઅને બીજો, જુદા જુદા બે ઘરનાં વ્યક્તિઓ જાહેરમાં ઝઘડે.

આસપાસથી જેવા ચિત્ર વિચિત્ર, સમજાય તેવા અવાજો સંભળાવાનું શરુ થાય એટલે આજુ-બાજુનાં ઘરોનાં બારણાઓ ને બારીઓ ખુલ બંધ થયા કરે. ને જેમ ઉંદરને જોઈ બિલાડીનાં કાન ચમકે તેમ અવાજો સાંભળવા પાડોશીઓનાં કાન સરવા થઇ જાય. રહસ્યનું વાતાવરણ સર્જાય. આતંકવાદીઓ બંધ બારણે  બૉમ્બ વિસ્ફોટની યોજના ઘડતા હોય અને જાસુસો બહાર બંધુક તાકી એમની વાતો સાંભળવા પ્રયત્ન કરે એનાથી પણ વધારે મેહનત મનોરંજન મેળવનારા કરતા હોય છેઆવા ઝઘડામાં ખુલ્લીને ભાગ લેવાનું સાહસ કરીએ તો આપણે પણ હડફેટે આવી જઈએ ને બીજા પ્રકારનાં ઝઘડામાં પરિણમે.  

સૌથી વધારે આનંદ તો ઝઘડો જ્યારે બે ઘર કે બે વ્યક્તિઓ વચ્ચે થાય ત્યારે આવે છે. એમનો સાથ દેવા કોંગ્રેસ ભાજપ ની જેમ બે પાર્ટીઓ રચાય જાય ને એનો 'મહાએપિસોડ' ટેલિકાસ્ટ થાય. થોડી વારમાં તો કીડીયારાની જેમ ખૂણે ખાંચરેથી મેદાનમાં (એટલેકે પાર્કિંગમાં, માળામાં મેદાનતો ક્યાં રહ્યા છે હવે?) માનવ મહેરામણ ઉમટી પડે. ઝઘડાના સેન્ટર ફરતું કુંડાળું ને આજુ બાજુ કૂદી કૂદી ને ડોકયા કરતાં ઉત્સુકો ઝઘડાને 'પબ્લિસિટી' અપાવતા હોય. 'શું થયું?! શું થયું?! ના નારામાં પ્રશ્નાર્થ અને ચિંતા કરતાં 'હવે શું થશે!' વાળું આશ્ચ્રર્ય અને આનંદ વધારે હોય. ઝઘડો કરનાર માટે કારણ તો ક્યારનુંએ કોરાણે મુકાય ગયું હોય પણ ન્યૂઝ ચેનલમાં ચાલતી ડિબેટ ની જેમ હોય  'પબ્લિક' માં  સૌ પોતપોતાનો પક્ષ મૂકીને ઝઘડાનું કારણ બનાવતા હોય

અમુક માણસો આવા ઝઘડાંને પોરસ ચડાવવામાં પાવરધા હોય છે. કોઈ નો પણ ઝઘડો ચાલતો હોય, લાગતું વળગતું હોવા છતાં એમાં કૂદી પડે અને મહિના જૂની વાતો ઉખેડી વિષય પાર ફરી ઝઘડા ચાલુ કરાવે. વળી ઝઘડામાં સ્ત્રીઓનું ભાગ લેવું ફરજીયાત છે. એનાથી ઝઘડો રસપ્રદ બને છે, અને લાંબો ચાલે છે. નહીંતર પુરુષો ધોલ-ધપાટ પર આવી જાય તો ઝઘડો ઘડીકમાં સમેટાય જાય અને બધી જનતા દવાખાના ની લાઈનમાં લાગેલી મળે.    

આવા મનોરંજનને માણતાં પ્રેક્ષકો પણ મનોરંજન આપે છે. કોઈ કોઈ હિંમતવાનો ખુલ્લે આમ ઝઘડામાં ભાગ લેવા કૂદી પડે, ને અમુક જર્નાલિસ્ટોની જેમ 'લાઈવ રોકોર્ડિંગ કરવા તરત ઘટના સ્થળે પહોંચી આખી ઘટનાના મૂક સાક્ષી બને. ફ્લેટની કે માળાની બહુ માળી ઇમારત પર નજર કરીએ તો માળે માળે માણસો બાળકનીમાં ટિંગાણા હોય! અંદર-બહાર ડોક ઝુલાવતાં ઝઘડાનું વિહંગાવલોકન કરતાં નજરે પડે. વળી અમુક સંસ્કારી જીવો બારીનાં પડદા પાછળથી ડોકાઈ ડોકાઈ ને થોડુંઘણું જોઈ લેવા સંતાકૂકડી રમતા હોય. ક્યાં છુપાઈ ને ઝઘડાને માણી રહ્યા છે બધાને ખબર હોય છતાં પોતાને તો પારકી પંચાતમાં રસ નથી એવું દેખાડવા મથે.

બીજે દિવસે બાકાત રહી ગયેલા અભાગિયાઓ ને આવા પ્રેક્ષકો બાતમી આપે છે. અને પેલા અભાગિયા જીવ બાળતા બાળતા પોતે જાણે મોદી સાથેની 'સેલ્ફી' મિસ કરી હોય એવા નિસાસા નાખે. આખા માળામાં ઝઘડાની વાતો અઠવાડિયા સુધી ફિલ્મી ગીતોની જેમ ફર્યા કરે.ને ફ્લેટની લિફ્ટમાં માળે માળે માણસો બદલાઈ તેમ વાતો પણ ઉપર નીચે થયા કરે

બાકી ઝઘડો હોય કે એને જોનારાં હોય, બંને પૂરતું મનોરંજન આપે છે. શેરીમાં એકબીજા સામે ભસતાં કુતરાઓ આપણા માટે ત્રાસદાયક બની રહે છે, પણ માણસોનો ઝઘડો મનોરંજક!! પણ આવું મનોરંજન ફક્ત મેળવવામાં સારું, ભૂલેચુકેય કરાવવું નહિ, એમાં જરાયે સંડોવામાં ડહાપણ   છે.      

Sunday, 9 April 2017

ઉધારીમાં અટવાયેલો જીવ


કંઈક આપીને કંઈક મેળવવાની આશા રાખવી એ માનવ સ્વભાવ છે. (આપણે તો દાનનાં બદલામાં પણ પુણ્ય જોઈએ છે.) આપણે કોઈ પણ વસ્તુ 'એમ ને એમ' ગુમાવતા નથી, જ્યાં સુધી એના બદલામાં કંઈ પાછું ન મળે. (એટલે જ તો ભંગારનો ધંધો પણ આટલો વિકસેલો છે.) પરંતુ, કંઈ પણ મેળવ્યા વગર ફક્ત ગુમાવવું, 'એમ ને એમ' આપી દેવું એટલે 'ઉધાર' આપવું.

આપણે હંમેશા ઉધારીનાં દેણામાં ફસાયેલા ગરીબડા માણસ પ્રત્યે દયા રાખવાનો રીવાજ પાળીએ છીએ. 'લેણદાર' નો ઉલ્લેખ કરતા, એક મહાકાય શરીરધારી, નખશિખ શ્રીમંતાઈ છલકાવતા, અહંકાર અને ઘમંડથી ફૂલાયેલા, કોઈ શણગારેલા નાળીયેર જેવા માણસનું દ્રશ્ય આપણી આંખ સામે તરવરી ઉઠે છે. જેની તરફ હંમેશા ક્રોધ અને ધ્રુણાના ભાવો જાગી ઉઠે છે.

પણ જ્યારે સામાન્ય માણસ લેણદાર બને ત્યારે તેની સ્થિતિ દેવામાં ડૂબેલા 'બિચારા' દયામણા માણસ કરતાય કફોડી હોય છે. સંબંધીઓ, પડોશીઓ, મિત્રો સાથે લેણ-દેણનાં સંબંધોમાં લાગણીઓ અટવાય જાય છે. અને એ ઉધારી અઘરી પડે છે. પછી બધા સગાઓ તો રહે છે પણ વ્હાલાઓ રહેતા નથી.

પાડોશીઓ સાથે વાટકી વહેવાર કરતા કરતા ક્યારેક ઉધારમાં વાટકી પણ ગુમાવવી પડે છે. ઉધારની આ સ્થિતિઓ અત્યંત અસમંજસયુક્ત હોય છે. મિત્રો સામે પોતાને દરિયાદિલ દેખાડવાની હોંશમાં આપેલા ઉધારમાં પછી વર્ષો સુધી હોશ ઉડેલા રહે છે. સંબંધીઓ વચ્ચે મારેલી ડંફાસ ફાંસ બનીને ખૂંચ્યા કરે છે. 

કોઈ વસ્તુ કે રકમ ઉધાર આપ્યા પછી ચિંતા સતત રહે છે કે વસ્તુ પાછી આવશે કે કેમ? અને આવશે તો એના રૂપ-રંગ સલામત હશે કે પરિવર્તન નો નિયમ એણે પણ અપનાવ્યો હશે? પાછી મળશે તો ક્યારે અને કેવી રીતે? આપણી આપેલી વસ્તુ પરત લાવવા કેટ-કેટલી યોજનાઓ, બહાનાઓ અને દેખાવો ઘડવામાં મન પરોવાયેલું રહે છેઆટલું ગહન ચિંતન જો અદ્યાત્મમાં કર્યું હોય તો મોક્ષના એકાદ-બે માર્ગ જડી જાય!!

વસ્તુ ઉધાર આપ્યા પછી કળયુગના કર્ણોનો જીવ એમાંજ અટવાયેલો રહે છે. જેમ મદિરા પાન પછી મન વાળ્યું વળતું નથી તેમ રહી રહી ને મન વસ્તુને પાછી મેળવવા ઝંખતું રહે છે. પત્ની પિયર ચાલી ગયા પછી પાછું આવવાનું નામ લે અને પિયરમાં માન-પાન માણે તેમ ઉધારી ની વસ્તુ પણ નવા માલિકોની મેહમાનગતિ માણવામાં યજમાનને હડધૂત કરે.  

અમુક વાર તો આપવાની ચેષ્ટાની પણ જરૂર હોતી નથી. (સારું ને, આપતી વખતે  મનમાં થતો  કચવાટ તો અનુભવવો પડે!) અમુક લોકો એટલા એડવાન્સ હોય છે કે જાતે વસ્તુ લઇ લે. એમને મન પોતાનું પારકું બધું એક . એમને વસ્તુ માંગીને માલિકની રજા ની જરૂર હોતી નથી. એટલે ઓફિસનાં પેન- સ્ટેન્ડની પેનો, આંગણામાં કપડાં સૂકવવાની દોરી લટકતી ચીપટીઓ કે ચોકડીમાં વાસણની ખાટલીમાં પડેલી ચમચીઓ, હંમેશા ખૂટતી હોય છે!!!  સાર્વજનિકતાને લીધે એની આવન- જાવન ચાલુ રહે છે.

સંતોનાં સુફિયાણાં પ્રવચનોમાં, કથાઓમાં ઉધાર લેવાથી આવતી મુસીબતોનું રસ પાન કર્યું હશે. પણ ઉધાર દેવાથી મનની શાંતિ હણાય જાય છે, સુખ ચેન ચાલ્યા જાય છે. એવી સો ટકા સત્ય હકીકત નહિ સાંભળી હોય. ધ્યાન, એકાગ્રતા કે મનને સ્થિર રાખવાના વર્ગોની સાથે સાથે આપેલી વસ્તુ ભૂલી જવાના, માગનાર પ્રત્યે વેરભાવ નહિ રાખવાના વર્ગો પણ શરુ થાય તો મન ને શાંતિ મળે. 'ઉધાર લેવું મોજમાં રે'વું' ની નીતિ અપનાવવાની સાથે બીજી એક 'ઉધાર દેવું પછી પછતાવુંશિખામણ પણ અપનાવવી.  

સામાન્ય માણસ માટે ઉધાર લેવા કરતા ઉધાર દેવાનું દુઃખ વધારે હોય છે. કેમકે એની પાસે શ્રીમંત લેણદારોની જેમ ફિલ્મી વિલનો જેવા વસૂલી માટે રાખેલા માતેલા સાંઢ જેવા માણસો હોતા નથી. જેની બીક બતાવી ઉધાર પાછું લઇ શકાય, એના બદલે કંજૂસ જીવનાં સાબિત થવાનો અને માગવાની શરમ વધારે હોય છે. આવી નબળાઈઓ ને લીધે બિચારો ઉધારીમાં અટવાયેલો જીવ મરણ પથારીએ પણ છૂટતો નથી અને આપેલી વસ્તુમાં અટવાયેલો રહે છે. આને તમે લોભ કહો કંજુસાઈ કહો, અસંતોષ  કહો કે વસ્તુ પ્રેમ પણ ઉધાર આપેલી વસ્તુ ની આપણે  હંમેશા રાહ જોતા હોઈએ છીએ, વિશ્વાસ  હોવા  છતાં કે, પાછી નહીં આવે!!