Friday 7 March 2014

‘સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન’ અને પુરુષ....?

change your ideas about women on 'Women's Day'

‘સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન’ અને પુરુષ....?

‘ઔરત હી ઔરત કી દુશ્મન હોતી હૈ.’ એ વિચાર હવે એટલો જુનો થઈ ગયો છે, ચવાઈ ગયો છે કે તેને થુંકી નાખવો જોઈએ. એ વિચાર પાયા વિનાનો અને સત્ય વગરનો છે.
જેણે એ વાક્ય વેહેતુ મુક્યુ છે તે ચોક્કસ એકતા કપુરનો ખૂબ મોટો ચાહક હશે અને એની સિરીયલો જોઈ જોઈને મોટો થયો હશે!
સિરીયલોમાં સાસુ-વહુના ઝઘડાઓ જોઈ જોઈને કોઈ કહે કે, ‘ઔરત હી ઔરત કી દુશ્મન હોતી હૈ.’ તો શું પુરુષ પુરુષ ભાઈ ભાઈ? પુરુષએ પુરુષનો દુશ્મન નથી? ભારતની મોટા ભાગની ફિલ્મોમાં વાર્તા હિરો અને વિલનની જ હોય છે જે બે પુરુષ વચ્ચેની દુશ્મની દર્શાવે છે. ત્યારે કોઇ ફિલ્મ જોતા જોતા એવા ઉદગારો કાઢતુ નથી કે, ‘આદમી હી આદમી કા દુશ્મન હોતા હૈ!
ચાલો, તમારી જ પસંદનુ, પુરુષોનુ પ્રિય એવુ ઉદાહરણ લઈએ. ફિલ્મ શોલેમાં જય-વિરુની દોસ્તી અમર થઈ ગઈ પણ સાથે સાથે ઠાકુરસા’બ અને ગબ્બરની દુશ્મની પણ ભુલાય નથી. બંને પુરુષો વચ્ચેની દુશ્મની શ્રેષ્ઠ દુશ્મની નુ સર્વોચ્ચ ઉદાહરણ બની ગયુ છે. હવે આખી ફિલ્મમાં તમને ક્યાય ‘ઔરત હી ઔરત કી દુશ્મન હોતી હૈ’ વાળુ વાક્ય લાગુ પડતુ દેખાય છે? તમે બસંતીને અને જયાને ઝઘદડતા જોયા કે, “યે ટાંગા મુજે દેદો બસંતી” !?
ફક્ત ફિલ્મો જ નહી ટી. વી. સિરીયલોમાં પણ પુરુષોની દુશ્મનાવટ પ્રખ્યાત છે. તારક મેહતામાં તમે ગોકુલધામ સોસાયટીની મહિલાઓને એકબીજા સાથે કાયમ ઝઘડતી જોઈ? નહી ને? પણ જેઠાલાલને અય્યર અને ભીડે સાથે ઝ્ઘડતો જોઈ, મહિલાઓ સહિત સર્વ પુરુષો આનંદ મેળવે છે!
વળી કોઈ તમને એકતા કપૂરની સાસુ-વહુની સિરીયલોનું ઉદાહરણ આપે તો તેનો પણ મુહતોડ જવાબ હાજર જ છે. એકતા કપૂર વધી વધીને તો બે સ્ત્રીઓ વચ્ચે જીણી રકઝક કે ટી આર પી માટે બે સ્ત્રીઓનો પારિવારીક ઝઘડો જ દર્શાવે છે ને, પણ ફિલ્મોમાં, પુરુષો તો સીધા મારામારી પર જ ઉતરી પડે. હથિયાર ઉપાડી એકબીજા પર ત્રાટકવા માંડે ત્યારે થીયેટરમાં બેઠેલા બધા પુરુષો સીટીઓ મારી ચીચીયારી પાડવા માંડે.
હિરો ફિલ્મના વિલનને મારે એતો ઠીક પણ એકસાથે દસ દસ બીજા જાતભાઈઓને એક ઘામાં ઉલાળે. ને ઘણી વખત હિરો-વિલનની દુશ્મનીમાં બિચારા આજુબાજુના ચાની લારીવાળા, પાનના ગલ્લાવાળા, શાકભાજીવાળા કે ફુટ્પાથ પર બેઠેલા બીજા લોકો અંટાઈ જાય. બિચારાના નુકસાનની ભરપાઈ કોણજાણે ક્યો પુરુષ કરતો હશે?
આની કરતા તો સાસુ-વહુના મ્હેણાં-ટોણાંની લડાઈ હજાર દરજ્જે સારી, શરીર તો સલામત રહે!

વળી, અમુક લોકો સિરીયલના ઉદાહરણને સિરીયસ નહી માને. એટલે હવે તેમના માટે સિરીયલ માંથી રીયલમાં આવીએ... મહાભારત અને રામાયણની 'પૂજ્ય અનેપવિત્ર'  કથાઓ તો સાંભળી જ હશે. ભાઈઓ- ભાઈઓ વચ્ચેની લડાઈમાં ક્યાંય કુંતી અને દ્રોપદીને ઝઘડતા જોયા?!!! રામ - રાવણની લડાઈમાં તો લંકા બળી ગઈ પણ એમાં સીતા અને સુભદ્રા મારામારી કરતા હોય એવું વાચ્યું?!!!!  આ મહા(ન!?) ગ્રંથોના  પાને પાને પુરુષોના ઝઘડાઓ જ જોવા મળશે, એમાં સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન કેવી રીતે કેહવાય??!!   

‘એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન છે’ એવુ જે કહે છે એ જ ખરેખર તો સ્ત્રીના દુશ્મન છે. સ્ત્રીને વખોડ્વાનો કે નીચી સાબિત કરવાનો જ્યારે બીજો કોઈ મુદ્દો ન રહે ત્યારે આ વિચારને ફરી ફરી વાગોળવામાં આવે છે.

જેના લીધે દુશ્મની થાય છે તે ઈર્ષા, અદેખાય, તિરસ્કાર એ બધા ગુણ માનવસહજ છે. તે કોઇપણ સ્ત્રીની સાથે સાથે પુરુષમાં પણ ઉપલબ્ધ છે. જો દુશ્મનાવટ વિશે કહેવુ જ હોય તો સીધે સીધુ જ કહી નાખવાનું ‘ઈન્સાન હી ઈન્સાન કા દુશ્મન હોતા હૈ’ એમાં પછી સ્ત્રી-પુરુષ એવી કોઈ સ્પષ્ટ્તાને સ્થાન જ ન રહે.