Wednesday 22 April 2015

ઉચ્ચ બૌદ્ધિક લેખકોને



"ઉચ્ચ બૌદ્ધિક લેખકોને"
 ‘To.... the Modern writers’

દુનિયામાં દરેક માણસો પોતપોતાની રીતે પોતાનું જીવન સુખેથી કે પછી પરાણે જીવતા હોય છે. પણ અમુક અભાગિયા જીવોને પોતાના મહામુશ્કેલીથી વ્યતિત થતાં જીવનની અસંતોષી, કરુણ, નિરસ અસમંજસયુક્ત પરિસ્થિતિઓ બીજાને ધરાર જણાવીને બીજાનાં બે ઘડીનાં સુખને પણ છીનવી લેવાનો શોખ હોય છે. આવા જીવો વળી લેખકો બને અને પછી બીજાની પથારી ફેરવે. પણ જેવા તેવા નહીં ઉચ્ચ કોટિનાં.
શ્રેષ્ઠતમ પદને પ્રાપ્ત કરવા તે નવા નવા અખતરા કર્યા કરે. અન્ય સામાન્ય લેખકોથી કંઈક જુદું કરવા તેઓ પોતાની સમજાય તેવી, ગુંચવાડા વાળી પદ્ધતિઓ રચ્યા કરે. વિચાર્યા વગર (અથવા જાણી જોઇને, બદલો વાળવા) કે એનાં અભાગિયા, અણસમજુ વાચકો પર એનાં આવા અખતરાઓની શી અસર થશે?!!!
ચિત્ર-વિચિત્ર, આડા- અવળા કટકાઓ જોડી કહેશે આમાંથી તમને શું સમજાયું? અર્થ શોધો? ધડ માથા વગરના ભેગા કરેલા કટકા જોઇને ભલા ભોળા માણસ ને એમાં કયો અર્થ દેખાવાનો હતો? જુદા જુદા કટકાઓ ગણવામાં મગજનું દહીં થઇ જાય એમાં વળી અર્થ ક્યાંથી જડે?!!!! વળી ક્યારેક આવા મેધાવી લેખકને દુનિયા ઉપર દાઝ ચઢે અને હેરાન કરવાનું મન થાય તો એક દિવસની ઘટનાનું એવું વર્ણન કરશે કે એને વાંચવામાં કેટલાયે દિવસો, અરે મહિનાઓ વીતી જાય અને વાચકની દુર્દશાથી દુર્ઘટના ઘટી જાય.
વિશ્વાસ આવતો હોય તો એક નાનકડો નમુનો ઉદાહરણ તરીકે આપું. ગુજરાતી વાચકો જેમણે અંગ્રેજીની ‘Stream of Consciousness’ નવલકથાઓ વાંચી ન હોય તેમનાં માટે એક સરળ ટ્રેઇલર (આના પરથી આખા પિક્ચરની કલ્પના કરી લેજો!)


"એણે આવું નો'તું કરવું જોઈતું, બધાની વચ્ચે કહેવાની શું જરૂર હતી?" આસપાસ બટેટા, ટમેટા, રીંગણાંને છૂટાં પાડતા પાડતાં પ્રજ્ઞા વિચાર્યું. હાથમાં એક બટેટુ લઇ એણે કટરથી છાલ ઉતારવાનું શરુ કર્યું. આદર્શવાદી હોય તો શું થયું! બધા વચ્ચે નિકેતનને નિરસ, આળસુ, બેજવાબદાર એવું કેમ કહી શકે?  ફેલાયેલા શાકભાજીને ભેગા કરી એણે થોડીક જગ્યા કરી. તપેલીમાં પાણી ભરી છોલેલું બટેટુ એમાં નાખ્યું. ઉંમરમાં નાનો હોય તોય શું એને પણ માન-અપમાન જેવું તો હોયને? પંદર વર્ષનાં છોકરાને ખરાબ તો લાગ્યું હોય. (આડા આવતા ટમેટા ને હાથથી ખસેડતાં એણે વિચાર્યું)
દરેક માં ની જેમ પ્રજ્ઞાને પણ એવું લાગતું કે એનાં દિકરા નિકેતનને સહુથી વધુ સમજી શકે છે. એટલે ગઈ કાલની વાતની અસર એનાં ઉપર વધારે થઇ હતી.
બટેટાની છાલનાં ઢગલાં એને તપેલી વચ્ચેનું અંતર ઘટતું ગયું. ત્યાં પડેલું છેલ્લું બટેટુ લઇ તેણે છોલવાનું શરુ કર્યું. રાજા હરિશ્ચંદ્રનાં સત્યવાદીપણા ને આદર્શોને લીધે એનાં પરિવારને કેટલું ભોગવવું પડ્યું હશે! કદાચ નવમાં ધોરણમાં પાઠ આવતો, સ્કૂલનાં બેન કેવું સરસ ભણાવતાં! પત્ની, પુત્ર બધા તો વગર વાંકે સહન કરતા રેહતા હોય છે. અને હરિશ્ચંદ્ર તો અમર થઇ ગયા! (એણે વિચાર્યું) હાથમાં પડેલું બટેટુ છટકીને તપેલીમાં પડ્યું. અવાજ આવ્યો, થોડું પાણી પણ ઉડ્યું. બટેટાની છાલોને એણે ફટાફટ સમેટીને કચરામાં નાખી. એક બે ખાના ખોલી ચપ્પુ શોધ્યું પણ મળ્યું નહીં. 'અરે બાપ- દિકરા વચ્ચે હું પીસાય ગઈ છું', શાકભાજીનાં ઢગ નીચેથી ચપ્પુ લઇ એણે છોલેલાં બટેટા સુધારવાનું શરુ કરતા કરતા એનાથી બોલી જવાયું, બીજાનાં આદર્શો અને માનને સાચવી જીવવું કેટલું અઘરું છે! પોતે ભણવામાં હોશિયાર હોય તો શું એણે નિકેતન પાસેથી આટલી બધી અપેક્ષાઓ રાખવાની!! પપ્પા કેટલી રોકટોક કરે છે, એને મારા માટે કાંઈ લાગણી નથી. બીજા બધાનાં હંમેશા વખાણ કરે એને મને સંભળાવવાનો એકે મોકો ચુકતા નથી. એક વાર ગુસ્સામાં નિકેતન બોલ્યો'તો પણ ખરો. (એની આંખ સામેથી નીકેતનનો ફરિયાદ કરતો ચહેરો પસાર થયો) આટલી દુર સારી જગ્યા જઈએ તોય કાઈ ફાયદો નહીં. બધું સરખું . વીણી વીણી ને લીધા તોય બટેટુ સડેલું નીકળ્યું. સડેલા ભાગને કાપી,બાજુ પર મૂકી, બાકીનું બટેટુ સુધારતાં સુધારતાં એણે વિચાર્યું. એય પાછા કહેતા હોય છે ઉંમરે છોકરાઓ ને બહુ છૂટ-છાટ આપવાથી બગડી જાય એનાં કરતાં થોડું ધ્યાન આપવું સારું. પણ આમ બધા પરિવારજનો બેઠા હોય, એનાં જેવડા છોકરાંઓ પણ હાજર હોય ત્યારે રોક-ટોક તો કરાય ને! ઉલ્ટાનું સુધરવાને બદલે આપણાથી દુર જાય ને આડે રસ્તે ચડી જાય….
ડોરબેલ સંભળાયો.
હાથ ધોઈ, પાલવથી લૂછતાં લૂછતાં એણે દરવાજો ખોલ્યો.
"મમ્મી રસોઈ બનાવી નાખી!! પણ હું ને પપ્પા તો સાથે જમીને આવ્યા!" નિકેતને હસતાં હસતાં કહ્યું,
" મેં નવી બનેલી રેસ્ટોરાંનાં વખાણ કર્યા તો પપ્પા મને ટેસ્ટ કરવા લઇ ગયા એને છેલ્લે અમે બંને અઈસ્ક્રીમે ખાધો!!!"
                                              -  Inspired from 'To the Lighthouse'  by Virginia Woolf

                                          
હવે પાંચ મીનીટની બટેટા છોલવાની નાની એવી ઘટના ને વાંચતા પંદર મિનીટ થાય અને સમજતાં અડધો કલાક, એય નસીબ સારા હોય તો નહીતર પાંચ દિવસેય ટપ્પા પડે તો સમજી લેજો કે તમે પણ આ રચનાનાં અત્યાચારનો ભોગ બન્યા છો.
એમાં બિચારાં માસુમ, નિર્દોષ જીવો જેવા વાચકો એની ભુલભુલામણી જેવી રચનાઓમાં ભૂલા પડી જાય અને કરોળિયાનાં જાળામાં જેમ જંતુઓ અટવાય તેમ આવી રચનામાં અટવાયા કરે. આખરે એવું લાગે કે બૌદ્ધિક બદમાશોથી એમ છુટાય એવું નથી એટલે છટકવા એમને બૌદ્ધિક બળુકાઓ  તરીકે સ્થાપિત કરી દે. અને સામાન્ય જીવો ને સમજાતા નથી એટલે ઉચ્ચ કોટિનાં બૌદ્ધિક લેખકો છે એમ એને વ્યાખ્યિત કરી મન મનાવી લે. 
પોતાની અંદરના  ઉકળાટ ને  અસમંજસને ઠાલવવા તે પોતાની રચનાંને જ અઘરી બનાવે એટલે બીજા પણ એને વાંચી અસમંજસમાં આવી જાય. એના આવા ગુચવાળા સામાન્ય જીવોથી ઉકેલાય તેમ ન હોય એટલે વળી બીજો કોઈ વંઠેલો વિવેચક એની ગૂંચ ઉકેલવાનું બીડું ઝડપે, એ બૌદ્ધિક લેખકની રચનાનું પોસ્ટમોટમ કરી રફે-દફે અને એના ઉપર પ્રયોગો કરી નવા નવા તારણો તારવે. એણે તારવેલા તારણોની સાબિતી ને સમજુતી માટે બીજા પાંચ-દસ ગ્રંથો લખી નાખે.
બસ આમ વિવેચકો અને વિવેચનો ની સંખ્યા વધતી જાય અને તેમનાં બૌદ્ધિક તીરો વચ્ચે વાચકો મુંજાતા જાય.
આવી અકળ, અસમજ અસામાન્ય રચનાઓ અને વિવેચનોનાં વિશ્વમાં બિચારો નિર્દોષ વાચક જીવ અધમુઓ થઇ અટવાયા કરે છે અને આવી વણઉકેલ રચનાઓનાં અમરત્વની ધારાને અકારણ આગળ વધારે છે.
એટલે આવાં અટપટા, અઘરા, ઉચ્ચ બૌદ્ધિક લેખકોને વિનંતી કે એમની લાંબીલચક, નસમજાય તેવી, ગુચવાડા યુક્ત રચનાંઓથી  તેઓએ પોતાની અંદરનો ઉકળાટ અને અસંતોષ તો ઠાલવ્યો પણ અન્યને પોતાની અજીબ, અજોડ રચનાઓથી પોતાની સ્થિતિમાં નો અનુભવ કરાવી પોતાની જેવા ઉચ્ચતમ બૌદ્ધિક લેખકો ન બનાવે!