Wednesday 19 November 2014

'પાડોશીની પણોજણમાં'

  જાહેર ચેતવણી 
Desclaimer


આ લેખ કલ્પનિક છે અને જો ન હોય તો પણ આમાં વર્ણવાયેલા વર્ણનો જો કોઇને લાગુ પડે તો એ બદનસીબે સંયોગ માત્ર હશે. આ લેખ લેખકના પાડોશીએ વાંચવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. અને જો ભૂલથી પણ વંચાય જાય તો દવાખાનાનો સંપૂર્ણ ખર્ચો વાંચનારે જ દેવાનો રહેશે.

"પાડોશીની પણોજણમાં "

“પહેલો સગો પાડોશી” એ કહેવત જેણે લખી છે એ જરૂર જંગલમાં  રહેતો એકલો અટૂલો આદિમાનવ હશે! જેને પાડોશીનાં  સગપણનો સ્વાનુભવ થયો નહીં હોય. બાકી પાડોશી ક્યારેય સગો નથી હોતો, પહેલો કે છેલ્લો- આ સર્વાનુમતે સાબિત થયેલુ સો ટકા સત્ય વિધાન છે.

સવારનાં પહોરમાં, આજનો દિવસ સારો જશે એવી આશા રાખી આપણે ગુલાબી સવારને માણતા હોઈએ ત્યાં તો જાણે લાગેલી લોટરીની ટીકીટ છીનવી લીધી હોય એવાં ઘુરકિયા કરતાં મોઢાંના દર્શન સાથે દિવસની શરુઆત થાય!!!

અને આપણે આખો દિવસ આપણો ગુનો શો? એ વિચારતાં ગુનાહિત ભાવ સાથે ઘરમાં ગુંગળાયા કરીયે! અને એ આંગણામાંથી કે અગાસીમાં  છાપાને ઢાલ બનાવી અંદરથી ત્રાંસી નજરે આપણી સામે ડોળા કાઢી અવલોકન કર્યા કરે.

આવી દિવસની શરુઆત થાય પછી આખા દિવસની શુ આશા રાખી શકાય? દિવસ દરમિયાન એની બધી ઈન્દ્રિયો પોતાનાં  પાડોશીનાં  ઘરની આસપાસ જ ભટકતાં ભૂતની જેમ ભટકતી હોય છે. કઈ રીતે પડખેના ઘરની રહસ્યમય વાતો જાણવી એમાં એમનું મન વ્યસ્ત હોય છે.

તેઓ અત્યંત બુધ્ધિશાળી, ચપળ, સિફતાઈ અને ચિવટથી કામ લેનારા તથા બાજનજરી હોય છે. પોતાનાં  પાડોશીનાં  ઘરમાં  આજે ક્યા મહેમાન આવવાના છે? ક્યુ શાક બને છે? સુગંધ  ઉપરથી પકવાન સારુ બન્યુ કે બળી ગયુ? એની બાતમી રાખનારા હોય છે!!!

હું એવું દ્ પણે માનુ છુ કે, દેશની કોઈપણ ‘Investigator’ કે જાસુસી સંસ્થાને આવા નારદજીનું  વરદાન પામેલા પાડોશીઓ પાસેથી પાડોશી દેશોની જાસુસી કેમ કરાય એની તાલીમ લેવી જોઈએ.

બધા જ પાડોશીઓ માટે પોતાનું  – પારકું એ શબ્દો વચ્ચે કોઈ અર્થ-ભેદ રેખા હોતી જ નથી!!! બીજાની વસ્તુને પણ એ પોતાની જ સમજી વાપરે છે!!! આવો તફાવત ન હોવાને લીધે તેઓ ચપટીક ખાંડ, બે-ત્રણ બટેટા અને જે, તે સમયમાં મોંઘુ હોય તે માંગતા ક્યારેય અચકાતા નથી.
વળી, બધા પાડોશીઓ પડખે વાળા ઘરનાં  સુખે –  દુઃખી અને એનાં દુઃખે સુખી થવાની ફરજ પાળી પોતાની કર્તવ્ય પરાયણતાનાં દર્શન કરાવે છે!!!

ક્યારેક આવા સદગુણોથી ભરપૂર પાડોશીઓને જોઈને વિચાર આવે કે, ભગવાનને એમ થયુ હશે કે માણસ એકધારાં સુખથી કંટાળી જશે એટલે એની જિંદગીને જરાક નમકીન બનાવવા એણે આવા પાડોશીને તમારાં સુખ-દુઃખનાં સંગી બનાવ્યાં જેથી તમે એનાથી બચવામાં અને એ તમારામાં વ્યસ્ત રહે!!!

આ કહેવતનાં  કર્તાને પાડોશી કેમ સગો લાગ્યો હશે એ વિચારવા જેવી વાત છે. બાકી જો એ સાબિત કરવું  હોય તો, બેસતાં વરસનાં  દિવસે મોઢુ મીઠું કરવા એ હસતાં મોઢે મુખવાસની ડાબલી તમારી આગળ ધરે તો પણ આ કહેવત સાર્થક ગણાય!!!???!!!!!!!!!